Wednesday, 3 July 2013

ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું (ભારતે અપનાવવા જેવું) સ્વિસ મોડલ


Courtesy :  

ત્તરાખંડમાં ગયે મહિને જે વિનાશકારી હોનારાત સર્જાઇ તે અભૂતપૂર્વ હતી તેમ હોનારત બાદ ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ તથા રાહત કામગીરી પણ અભૂતપૂર્વ કહી શકાય તેવી હતી. બીજી તરફ એ પણ ખરું કે ઉત્તરાખંડમાં નદીઓ ગાંડીતૂર થયાનો તાજેતરમાં બનેલો પ્રસંગ પહેલી વારનો નથી. અગાઉ ઘણી વખત એ રાજ્યએ ઘોડાપૂર જોયાં છે અને દર વખતે જાન-માલનું વધુઓછા અંશે નુકસાન વેઠ્યું છે.

એક સવાલ સહજ રીતે મનમાં થવો રહ્યો કે ગંગા, યમુના, અલકનંદા, કાલિ, પિંડર, સરયુ, મંદાકિની વગેરે જેવી નદીઓ ધરાવતું ઉત્તરાખંડ રાજ્ય અવારનવાર જે તે નદીઓના દુર્વાસા મિજાજનો ભોગ બને છે તો પછી સરકારે ત્યાં ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટકોરાબંધ સુવિધા હજી કેમ રચી નથી ? માણસોના તેમજ માલસામાનના પરિવહન માટે રેલવેનું તેમજ રસ્તાનું ગીચ નેટવર્ક કેમ સ્થાપ્યું નથી ? તેમજ અગાઉ જ્યાં વારંવાર પૂર આવ્યાં હોય તેવા વિસ્તારો નજીક હેલિપેડ કેમ બનાવ્યાં નથી ? આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે, જેમના થકી પૂર વખતે જાન-માલનું ગંભીર નુકસાન થતું અટકાવી શકાય છે. આમ છતાં ઉત્તરાખંડમાં આવી સગવડો ઊભી કરવામાં આવી નથી. આ અંગેની સૂઝ બોગદાદષ્ટિ ધરાવતા સરકારી તંત્રને ન હોય તો કમ સે કમ તેણે સ્વિટ્ઝરલેન્ડનું ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડલ અપનાવી લેવું જોઇએ.


ભૌગોલિક વિસ્તારની રીતે જોતાં આપણા ઉત્તરાખંડ રાજ્યનું કદ સ્વિટ્ઝરલેન્ડથી જરાક જ મોટું છે. ભૂપૃષ્ઠના દષ્ટિકોણે જુઓ તો ૧ કરોડની આબાદી ધરાવતું ઉત્તરાખંડ હિમાલયના પહાડો વચ્ચે વસેલું છે, જ્યારે ૮૦ લાખની વસ્તીવાળું સ્વિટ્ઝરલેન્ડ હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતમાળાની ગોદમાં વસ્યું છે. વધુ એક સામ્ય એ કે સ્વિટ્ઝરલેન્ડમાં દર ચોરસ કિલોમીટરે ૧૯૦ જણા વસે છે, તો ઉત્તરાખંડમાં તે આંકડો ૧૮૯ લોકોનો છે. ઉત્તરાખંડની માફક સ્વિટ્ઝરલેન્ડમાં પણ સંખ્યાબંધ નદીઓ, હિમસરિતાઓ, સરોવરો તેમજ જળાશયો છે. પૂરનો સામનો કરવાનું એ દેશના પણ ટીલે લખાયું છે. પરિણામે જાન-માલનું વ્યાપક નુકસાન ટાળવા એ દેશે કેટલાંક આગોતરાં પગલાં લીધાં છે, જે આપણે લીધાં નથી. દા.ત. પૂર વખતે નદીઓમાં પાણી જલદી વહી જાય એ માટે સ્વિટ્ઝરલેન્ડે More room for rivers પોલિસી અપનાવી છે, જેના અન્વયે નદીઓના બેઉ તટની આસપાસ રહેણાંક મકાનો કે પછી અન્ય કોઇ પણ જાતનું બાંધકામ કરવાનો સરકારી મનાઇહુકમ  છે. આપણે ત્યાં આવું કોઇ ધોરણ નથી. પરિણામે ગયે મહિને બન્યું તેમ નદીઓ ગાંડીતૂર થાય ત્યારે સૌ પહેલાં કાંઠાવર્તી મકાનોનું તેમજ લોકોનું આવી બને છે. FYI : ઉત્તરાખંડની હોનારતનાં બે અઠવાડિયાં પહેલાં સ્વિટ્ઝરલેન્ડમાં પ્રચંડ પૂર આવ્યાં હતાં. જાનહાનિઃ ઝીરો !

બીજો દાખલોઃ પૂર વખતે હવાઇમાર્ગે તાત્કાલિક ધોરણે બચાવકાર્ય હાથ ધરી શકાય એ ખાતર સ્વિટ્ઝરલેન્ડે સમગ્ર દેશમાં બધું મળી ૧૧૦ હેલિપેડ તેમજ ૫૬ નાનાં એરપોર્ટ સ્થાપ્યાં છે. ઉત્તરાખંડની વાત કરો તો સમગ્ર રાજ્યમાં ગણીને બે એરપોર્ટ છે અને હેલિપેડ તો છે જ નહિ! પરિણામે ઘટનાસ્થળેથી લોકોને એર-લિફ્ટ કરવા ગયેલા વાયુસેનાના હેલિકોપ્ટરોએ લાંબી ખેપ કરવાનો વખત આવ્યો--અને એવી દરેક ખેપમાં સમયનો સારો એવો બગાડ થયો.

ત્રીજું ઉદાહરણઃ પૂરગ્રસ્ત સ્થળની નજીકમાં રેલવે સુવિધા હોય તો સંખ્યાબંધ માણસોનું ઝડપી વહન થઇ શકે અને માલસામાનનો પુરવઠો પણ રેલવે મારફત ઘટનાસ્થળે વેળાસર પહોંચાડી શકાય એ મુદ્દો સ્વિટ્ઝરલેન્ડની સરકાર ધ્યાન પર લેવાનું ચૂકી નથી. પરિણામે અત્યંત દુર્ગમ પહાડોમાંય તેણે રેલવેના પાટા બિછાવ્યા છે. દા.ત. યોંગફ્રાઉ નામના ૧૧,૩૩૨ ફીટ ઊંચા શિખરે જતી રેલવે લાઇન સ્વિટ્ઝરલેન્ડે સતત ૧૬ વર્ષની જહેમત બાદ નાખી છે. સમગ્ર દેશમાં તેણે રેલવેનું ૫,૦૬૩ કિલોમીટર લાંબુ નેટવર્ક રચ્યું છે, જ્યારે ઉત્તરાખંડમાં રેલવેના પાટા ફક્ત ૩૪૫ કિલોમીટર લાંબા છે. આશરે ૧૧,૫૦૦ ફીટની ઊંચાઇએ આવેલા કેદારનાથ સુધી પહોંચવા માટે રેલવે તો ઠીક, પાકા રસ્તા પણ ઉત્તરાખંડની સરકારે આજ દિન સુધી બનાવ્યા નથી.

સ્વિટ્ઝરલેન્ડ સાથે ભૌગોલિક તેમજ ભૂપૃષ્ઠીય સામ્યતા જોતાં ઉત્તરાખંડે ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વિસ મોડલને અનુસરવું જોઇએ. આમ કરવામાં જંગી ખર્ચ થાય, પણ તે લેખે લાગે એમાં શંકા નહિ. વળી વિવિધ રાજકીય કૌભાંડોમાં દેશની જનતાના અબજો રૂપિયા હોમાતા હોય ત્યારે જનતાના લાભાર્થે કરાતો ખર્ચ દેશને ભારે ન પડવો જોઇએ.


No comments:

Post a Comment