Friday, 4 October 2013

ગ્રાહકનાં ‌ખિસ્‍સાં વેતરતો બેઇમાન પેટ્રોલ પંપનો કટકી ‌બિઝનેસ

Courtesy :- Harshal Pushkarna
આ પાનું આમ તો રાષ્ટ્રહિતને સ્પર્શતા એકાદ સીરિઅસ મુદ્દાની છણાવટ માટે રિઝર્વ છે, પણ પ્રસ્તુત ચર્ચાનો વિષય સહેજ જુદો છે. ગ્રાહકહિતને લગતો છે, છતાં સરેરાશ ગ્રાહકો માટે અજાણ્યો છે. આશ્ચર્યના હળવા આંચકાની તૈયારી સાથે વાંચો--

થોડા વખત પહેલાં મનીષ દુબે નામના બેંગલૂરુ નિવાસી પોતાની મોટરકારમાં બળતણ ભરાવવા માટે પેટ્રોલ પંપ ગયા. રૂપિયા ૧,૦૦૦નું પેટ્રોલ મનીષે ખરીદ્યું, જેનું ચૂકવણું કરવા માટે તેમણે પોતાનું ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપના અટેન્ડન્ટને આપ્યું. થોડી વારમાં અટેન્ડન્ટ રૂા. ૧,૦૦૦ની ક્રેડિટ કાર્ડ ચાર્જ સ્લીપ સાથે પાછો ફર્યો ત્યારે મનીષ દુબે પેટ્રોલ પંપના ડિસ્પેન્સર મશીનના ડિસ્પ્લે તરફ નજર તાકીને ગાડીમાં બેઠા હતા. ડિસ્પ્લે દર્શાવતું હતું તેમ હજી રૂા.૭૦૦ની કિંમતનું પેટ્રોલ તેમની ગાડીમાં ઠલવાયું હતું, એટલે મનીષે ડિસ્પ્લે પરથી તત્પુરતી નજર હટાવી ક્રેડિક કાર્ડની સ્લીપ પર સહી કરી આપી. આ ક્રિયામાં મનીષને જૂજ સેકન્ડો લાગી, પણ એટલો સમય વીત્યા બાદ તેમણે ડિસ્પેન્સર મશીન તરફ ફરી જોયું તો હવે આંકડો રૂા.૧,૦૦૦નો દર્શાવતો હતો. અટેન્ડન્ટે એ જ સમયે ડિસ્પેન્સરનું Emergency Stop બટન દાબી દીધું. ગણતરીની સેકન્ડોમાં ૭૦૦નો આંકડો એકાએક વધીને ૧,૦૦૦ શી રીતે થયો તે મનીષ દુબેને સમજાયું નહિ. કશીક ગરબડ થઇ હોવાની તેમને શંકા ગઇ, એટલે તેમણે અટેન્ડન્ટને ડિસ્પેન્સર મશીનમાંથી બિલ કાઢી આપવા જણાવ્યું. અટેન્ડન્ટે થોડીક રકઝક કરી, પણ પછી મનીષના આગ્રહને વશ થઇ બિલ આપ્યું. મનીષે જોયું કે બિલ રૂા.૭૩૧.૪૩નું હતું; રૂા.૧,૦૦૦નું નહિ ! બિલ મુજબ ગાડીમાં ઠલવાયેલો પેટ્રોલનો જથ્થો ૧૦.૪૦ લીટરનો હતો, જે હકીકતે ૧૪.૨૧ લીટર હોવો જોઇતો હતો. ટૂંકમાં, મનીષ દુબેએ ખર્ચેલા નાણાં સામે તેમને ૩.૮૧ લીટર ઓછું બળતણ મળ્યું હતું. પેટ્રોલ પંપે તેમની સાથે છેતરપિંડી કરી હતી, જેની ફરિયાદ તેમણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને કરી ત્યારે કંપનીએ ડિલર સામે કડક પગલાં લેવાની બાંહેધરી આપીને મામલો શાંત પાડ્યો.

મનીષ દુબે સાથે જે બન્યું તે જાણીને નવાઇ લાગે, પણ ખરું પૂછો તો આપણે ત્યાં એવા કિસ્સા રોજેરોજ બને છે. ગ્રાહકને તેણે ચૂકવેલા નાણાં સામે અમુક ટકા ઓછું બળતણ મળતું હોવા છતાં તે અંગે ગ્રાહક અંધારામાં રહે છે. આ અંધકાર આંશિક રીતે મિટાવતો બનાવ તાજેતરમાં બન્યો. પંજાબ પુલિસે પેટ્રોલ પંપના ડિસ્પેન્સર મશીનો સાથે કરાતાં ટેક્નોલોજિકલ અડપલાંનું બહુ મોટું ષડ્યંત્ર પર્દાફાશ કર્યું છે. બળતણની શોર્ટ ડિલિવરી કરનારા પેટ્રોલ પંપ પર છાપો મારીને પુલિસે શોધ્યું કે તે સૌના ડિસ્પેન્સર મશીનોમાં ટચૂકડી વીજાણું ચિપ ફિટ કરેલી હતી. રૂા.૪૦,૦૦૦ની કિંમતની એ ચિપનું કાર્ય ડિસ્પેન્સર મશીનના ડિલિવરી સેન્સરની ચોટલી મંતરવાનું હતું. જુદી રીતે કહો તો ડિસ્પેન્સર યંત્રની નોઝલ વાટે બળતણનો જે પુરવઠો બહાર નીકળે તેના આંકડાને તે ચિપ અમુક ટકા વધારી મૂકતી હતી. પરિણામે મશીનના ડિજિટલ ડિસ્પ્લેમાં રજૂ થતા બળતણના આંકડા અને મશીન દ્વારા વાસ્તવમાં અપાયેલા બળતણના આંકડા વચ્ચે તફાવત રહી જતો હતો. આ રોજિંદા તફાવત વડે પેટ્રોલ પંપના માલિકો તગડી કમાણી કરી લેતા હતા.પંજાબ પુલિસે માત્ર ઉત્તર ભારતમાં આવાં દોઢસો પેટ્રોલ પંપ શોધી કાઢ્યાં તે દરમ્યાન દક્ષિણ ભારતમાં વળી એક ષડ્યંત્ર બહાર આવ્યું છે, જેમાં ગ્રાહકો પાસે પૂરા પૈસા વસૂલવા છતાં તેમને બળતણનો ઓછો પુરવઠો આપવાના ચીટિંગ બિઝનેસ બદલ વીસેક પેટ્રોલ પંપના માલિકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ તામિલ નાડુમાં બળતણની શોર્ટ-ડિલિવરી કરતા ૧૦૦ પેટ્રોલ પંપનાં લાઇસન્સ રદ કરાયાં હતાં.

એક તાજા રિસર્ચમાં જાણવા મળ્યું છે તેમ ગ્રાહકો સાથે એક યા બીજી રીતે છેતરપિંડી કરતા મોટા શહેરના કેટલાક પેટ્રોલ પંપ દર પાંચ લીટરે ૦.૩% થી ૨% ઓછું બળતણ આપે છે. નાના શહેર-ગામમાં તો આંકડો ૫% નો છે. આ ગોરખધંધા પર કાનૂની લગામ નાખવી જરા મુશ્કેલ છે, કેમ કે ભારતમાં લાખો પૈકી કયા પેટ્રોલ પંપ ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે એ જ પહેલાં તો જાણવું રહ્યું. બળતણની ખરીદી કરતા ગ્રાહકો તે કામમાં મદદરૂપ થઇ શકે, પણ તકલીફ એ છે કે ચૂકવેલા નાણાં સામે બળતણનો યોગ્ય જથ્થો મળે છે કે નહિ તે જાણવાની દરકાર ઘણાખરા ગ્રાહકોને હોતી નથી. બેઇમાનીના માર્ગે ચડેલા મુઠ્ઠીભર પેટ્રોલ પંપના માલિકો એ જ વાતનો ગેરફાયદો લે છે. આ ગઠિયાઓ સામે પેલા મનીષ દુબેની માફક સૌએ અવાજ ઉઠાવવો જોઇએ. ફરિયાદ માટે જે તે પેટ્રોલિયમ કંપનીના, ગ્રાહક સુરક્ષાના, વેઇટ્સ એન્ડ મેઝર્સ ખાતાના દરવાજા ક્યાં નથી ? એકાદ ટકોરો મારી તો જુઓ !


આ માટે ગ્રાહક પોતે શું કરી શકે ? 
(૧) જે પેટ્રોલ પંપ બળતણની શોર્ટ ડિલિવરી કરતું હોવાનું જણાય તેની વિરુદ્ધ ફરિયાદ જે તે પેટ્રોલિયમ કંપનીને ઇ-મેલ દ્વારા અગર તો લેખિત પત્રથી કરી શકાય છે. ફરિયાદ સાથે બિલ અચૂક બિડવું જોઇએ. 
(૨) ભારતના વેઇટ્સ એન્ડ મેઝર્સ ખાતા દ્વારા પ્રમાણિત ૫ લીટરનું માપિયું દરેક પેટ્રોલ પંપે ફરજિયાત રાખવું પડે છે. બળતણની શોર્ટ-ડિલિવરી એ માપિયા વડે પકડી શકાય છે. 
(૩) માલપ્રેક્ટિસ કરતા પેટ્રોલ પંપ સામે ગ્રાહક સુરક્ષામાં (http://consumeraffairs.nic.in) તેમજ રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ(http://rti.gov.in) હેઠળ કાર્યવાહી કરવાનું પોસિબલ છે. જે તે રાજ્યના food and civil supply department કહેવાતા ખાતાનો પણ સંપર્ક કરી શકાય છે. 
(૪) પેટ્રોલ પંપના ડિસ્પેન્સર મશીન લખેલી કૃપયા તેલ લેને સે પહેલે શૂન્ય અવશ્ય દેખેં સૂચનાનો અમલ કરવો રહ્યો એટલું જ નહિ, પણ બળતણ લો એ દરમ્યાન ડિસ્પેન્સરના ડિસ્પ્લે પરથી નજર ખસવી ન જોઇએ. 
(૫) હવે પેટ્રોલ/ડીઝલનાં ઘણાં ખરાં ડિસ્પેન્સર મશીનો વેચાણ જથ્થાના બિલનો પ્રિન્ટ-આઉટ કાઢી આપે છે. આવું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

Be Aware,
Chirag Dave

No comments:

Post a Comment