Sunday, 20 January 2013


એર ઇન્ડિયા: સરકારી ખીલે બંધાયેલો સફેદ હાથી

એક મોજણી અનુસાર ભારતમાં જાહેરક્ષેત્રનાં સરકાર હસ્તક નાનાંમોટાં કુલ ૨પ૦ એકમો છે. આ પૈકી ૪૬ એકમો વર્ષો થયે ડચકાં ખાય છે અને વાર્ષિક કરોડો રૂપિયાની ખોટ કરે છે. અમુક એકમોના હિસાબી ચોપડે તો છેલ્લાં દસેક વર્ષમાં ક્યારેય નફો દર્જ થયો જ નથી, છતાં સિક યુનિટ જેવાં તે એકમોને સરકાર નિભાવી રહી છે. હકીકતે તેમનું ખાનગીકરણ કરીને સરકારે રોકડી કરી લેવી જોઇએ. પરંતુ જાહેર ક્ષેત્રનાં એકમો પર પોતાનો કન્ટ્રોલ જતો કરી રાજકીય આગેવાનોને ભ્રષ્ટાચારનો મોકો છોડવો નથી. આની સીધી અસર દેશની તિજોરી પર પડે છે. ખોટ કરતાં જાહેરક્ષેત્રનાં ૪૬ એકમો સરકારી તિજોરીમાં (અને દેશના કરદાતાઓના ખિસ્સામાં) વાર્ષિક રૂપિયા ૪૦,૬૫૦ કરોડનું ફાંકું પાડી રહ્યા છે.

આ માતબર આંકડામાં જેનો સિંહફાળો છે તે એર ઇન્ડિયાની અહીં વાત કરીએ, જેણે ૨૦૧૧-૨૦૧૨ના વર્ષમાં રૂપિયા ૭,૮૫૩ કરોડનું જંગી નુકસાન કર્યું છે. (છેલ્લાં પાંચ વર્ષમાં એર ઇન્ડિયાએ કરેલું કુલ નુકસાન રૂપિયા ૨૮,૦૪૬ કરોડથી ઓછું નથી). આ સરકારી એકમના માથે આજે રૂપિયા ૪૦,૦૦૦ કરોડનું દેવું છે, જેને ભરપાઇ કરવું ખુદ તે એકમ માટે શક્ય નથી, કારણ કે વર્ષોથી તે ભારે ખોટમાં છે. આથી કેંદ્ર સરકારે તાજેતરમાં તેના માટે રૂપિયા ૩૦,૦૦૦ કરોડનું બેઇલ આઉટ પેકેજ જાહેર કર્યું. આ જુગાર ખેલ્યા પછીયે એર ઇન્ડિયા નફો કરતું (અને કંઇ નહિ તો જંગી ખોટ ન કરતું) એકમ બને કે કેમ એ સવાલ છે, કેમ કે તે એરલાઇન્સની સંચાલન વ્યવસ્થા બાબુશાહી છે. ભ્રષ્ટાચાર ડગલે ને પગલે થાય છે. વળી જરૂર કરતાં વધુ પગારદાર માણસોને સરકારે એર ઇન્ડિયામાં ભરતી કર્યા છે, જેને કારણે એરલાઇન્સની ઓપરેટિંગ કોસ્ટ ઊંચી છે.  
એર ઇન્ડિયામાં કર્મચારીઓ, અફસરો, ઇજનેરો, પરિચારિકો, પાયલટો વગેરે મળી કુલ ૨૭,૦૦૦ જણા કામ કરે છે. મેનપાવરની દ્રષ્ટિએ જોતાં જગતની કોઇ એરલાઇન કંપની એર ઇન્ડિયાની તોલે ન આવે, કેમ કે વિમાનદીઠ સૌથી વધુ ૨૨૧ જણાનો સ્ટાફ ધરાવવાનો રેકોર્ડ એર ઇન્ડિયાનો છે. જર્મન એરલાઇન્સ લુફ્થાન્સામાં વિમાનદીઠ સ્ટાફ ૧૨૭ જણાનો છે, તો સિંગાપુર એરલાઇન્સમાં વિમાનદીઠ ૧૪૦ જણાનો અને બ્રિટિશ એરવેઝમાં ૧૭૮નો છે. આ ત્રણેય આંકડા એ વાતના સૂચક છે કે વિમાનનો કાફલો ગમે તેટલો હોય, પણ વિમાનદીઠ સરેરાશ દોઢસોપોણા બસ્સોનો સ્ટાફ પૂરતો છે. તો પછી ખોટ ખાતી એર ઇન્ડિયામાં સરકારે વધુ પડતા કર્મચારીઓ આખરે શા માટે રાખ્યા છે ? આ રહ્યો કોમિક-કમ-ટ્રેજિક ખુલાસો:

એર ઇન્ડિયા ભારતની નેશનલ કેરિઅર એરલાઇન્સ છે. લોકસભાના તેમજ રાજ્યસભાના ૮૦૦ સાંસદો તેમાં વિનામૂલ્યે મન ફાવે તેટલા પ્રવાસ કરી શકે છે. એર ઇન્ડિયાની સરેરાશ ફ્લાઇટમાં એકાદબે સાંસદો ન હોય એવું બનતું નથી, માટે તેમની આગતાસ્વાગતા માટે અલાયદો સ્ટાફ રખાયો છે. આ કર્મચારીઓનું કામ સરકારી બાબુઓને વી.આઇ.પી ટ્રીટમેન્ટ આપવાનું છે. એકાદ રાજકીય મહાનુભાવ હવાઇ સફર માટે એરપોર્ટ પધારે ત્યારે એરપોર્ટ મેનેજર બધા કામ પડતા મૂકી એર ઇન્ડિયાના સીનિઅર કર્મચારીઓ તેમજ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે તેની સેવામાં ઉપસ્થિત થઇ જાય છે. આ મહોદયનું સિક્યોરિટી ચેકિંગ કરાવવું, તેમના માલ-સામાનને વિમાનમાં સહીસલામત ચડાવવો તેમજ ખુદ તેમને વિમાન સુધી મૂકવા જવું વગેરે ફરજ એર ઇન્ડિયાના કર્મચારીઓએ અદા કરવી પડે છે. પ્રવાસ દરમ્યાન અમુક પરિચારિકો વી.આઇ.પી. મહેમાનની સેવામાં ખડે પગે રહે છે, તો પ્રવાસના અંતે જે તે એરપોર્ટ મેનેજર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વી.આઇ.પી. મહેમાનને સત્કારવા તૈયાર રહે છે અને એરપોર્ટથી તે વિદાય ન લે ત્યાં સુધી સેવામાં રહે છે. આ બધું લગભગ રોજિંદા ધોરણે અને વળી દિવસમાં ઘણી બધી વખત બનતું હોય ત્યારે એર ઇન્ડિયા પાસે નફાની અપેક્ષા કેમ રાખી શકાય ?

સરકારના અણઘડ વહીવટના વાંકે એર ઇન્ડિયા જેવાં બીજાં ૪૫ સરકારી એકમો જંગી ખોટ કરી રહ્યા છે. દેશ માટે તે એકમો સફેદ હાથી જેવાં છે, જેમને સરકારી ખીલે બાંધી રાખવા એ ખોટનો ધંધો ગણાય. પરંતુ સ્થાપિત હિતો સચવાતાં હોય તો સરકારને ખોટનો ધંધો મંજૂર છે. કરોડોની ખાધ પૂરવા માટે પ્રજાનાં નાણાં ક્યાં નથી ?

Writen By  : - Harshal Pushkarna

No comments:

Post a Comment