Friday, 25 January 2013


રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?

આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે.

(૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટને અવકાશ નથી, છતાં રાષ્ટ્રપેમના નામે છૂટછાટ લેવાય છે. કોઇ એ છૂટછાટ સામે વાંધો કે વિરોધ લેતું નથી.


(૨) બીજો દાખલો ૨૬ જાન્યુઆરી તેમજ ૧પ ઓગસ્ટના દિવસોએ થતા રાષ્ટ્રધ્વજના ખૂલ્લેઆમ અપમાનનો છે. ભારતની પ્રજામાં એ બેય દિવસે ગજબનો રાષ્ટ્રપ્રેમ પેદા થાય છે, જેને પ્રદર્શિત કર્યા વિના તે રહી શકતી નથી. રાષ્ટ્રપ્રેમ જતાવવામાં કશું ખોટું નથી. મુદ્દાની વાત જુદી છેઃ રાષ્ટ્રપ્રેમ માત્ર ૨૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટના દિવસોએ જ કેમ એકાએક જાગ્રત થાય છે ? અને માનો કે જાગ્રત થાય છે તો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રપ્રેમનો દેખાડો કરવાની જરૂર શી છે? દેશ માટે કંઇક સારૂં કરી છૂટો (દાખલા તરીકે ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો કે પછી નોટબૂકો આપો) એ પગલું ધ્વજ લહેરાવવા કરતાં બેશક નક્કર અને ફળદ્રુપ છે. પ્રજાનો ‘રાષ્ટ્રપ્રેમ’ જોતાં સ્વાતંત્રદિને તેમજ પ્રજાસત્તાકદિને આપણા શહેરોના રસ્તા પર પ્લાસ્ટિકના ત્રિરંગા છૂટથી વેચાય છે; છૂટથી ખરીદાય પણ છે--અને તે વાત ગર્વ લેવા જેવી છે. પરંતુ બીજી તરફ ખેદની વાત એ છે કે સવારે જે ઉત્સાહ તેમજ ઉમળકાથી ત્રિરંગો ખરીદવામાં આવ્યો હોય તે સાંજ પડતા રસ્તે રઝળતો (રીપિટ, રસ્તે રઝળતો) જોવા મળે છે. (અહીં એ દ્રશ્યની તસવીર મૂકવા જેટલું પણ મનોબળ એકઠું થઇ શકતું નથી). આ દ્રશ્ય દરેક રાષ્ટ્રપ્રેમીની આંતરડી બાળી મૂકે તેવું છે, છતાં ઘણા ખરા લોકો મૂંગા મોઢે તથા ઠંડા કલેજે એ દ્રશ્ય જોતા રહે છે. જમીન પર પડેલા ત્રિરંગાને ઊઠાવી લેવાની તસ્દી લેવાનુંય તેમને સૂઝતું નથી. રાષ્ટ્રપ્રેમનું આટલું જલદી બાષ્પીભવન કેમ થઇ જાય છે ?

સરેરાશ ભારતીય આજે પોતાના રાષ્ટ્રધ્વજને મુક્તપણે લહેરાવી શકે છે, પણ કેટલાંક વર્ષ પહેલાં એમ કરવું શક્ય નહોતું. નવીન જિન્દલ નામના ઉદ્યોગપતિએ ભારતના દરેક નાગરિકને ધ્વજ લહેરાવવાનો તેમનો મૂળભૂત અધિકાર શી રીતે અપાવ્યો તે વાંચો--

ચોવીસ વર્ષની યુવાન વયે પણ વ્યક્તિ ધારે તો દેશમાં કેટલું મોટું પરિવર્તન આણી શકે તેનો દાખલો નવીન જિન્દલ છે. પરિવર્તન લાવવા માટે જિન્દલે ઘણી મુસીબતો વેઠવી પડી એ પણ ખરૂં. મુસીબતોનો આરંભ સપ્ટેમ્બર ૬, ૧૯૯૪ ના રોજ થયો, જ્યારે મધ્ય પ્રદેશમાં બિલાસપુરના એસ. પી. દૂબે નામના કમિશ્નરે રાયગઢ ખાતે આવેલી નવીન જિન્દલની ફેક્ટરી પર ત્રિરંગો લહેરાતો જોયા બાદ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી તે ફરજિયાત ઉતરાવ્યો. ત્રિરંગાને કાયદા-કાનૂનનું નહિ, પરંતુ દરેક ભારતવાસીના દેશાભિમાનનું પ્રતીક ગણતા જિન્દલને થયું કે આમ નાગરિક જો ત્રિરંગાને માનભેર અને ગૌરવભેર ફરકાવી ન શકે તો એ રાષ્ટ્રધ્વજ શેનો ? જિન્દલના મતે સરકારે રાષ્ટ્રધ્વજને સરકારી ધ્વજ બનાવી દીધો  હતો. સરકાર તેનાં મકાનો પર અને મોટરો પર ત્રિરંગો લહેરાવે એ ચાલે, પરંતુ Flag Code નામના કાયદા મુજબ નાગરિકોને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ સિવાયના દિવસોએ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવાની છૂટ ન હતી. હકીકતે એ ‘ગુનો’ સજાપાત્ર બનતો હતો.

દેશના રાષ્ટ્રધ્વજનો મામલો સાધારણ વ્યક્તિને પોતાનો વ્યક્તિગત મામલો ન લાગે, પણ નવીન જિન્દલે તેને પોતાના આત્મગૌરવનો પ્રશ્ન ગણી ફેબ્રુઆરી ૨, ૧૯૯૫ ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સરકારને પડકારી અને કોર્ટે તેમને રાયગઢની ફેક્ટરી પર ધ્વજ ફરકતો રાખવાની છૂટ આપી. ત્રિરંગા વડે પોતાનું દેશાભિમાન વ્યક્ત કરવાનો તેમનો મૂળભૂત બંધારણીય અધિકાર માન્ય રાખ્યો. સરકાર જાણે કે પોતાની મોનોપોલી છોડવા તૈયાર ન હતી. ફેબ્રુઆરી ૭, ૧૯૯૬ ના દિવસે તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઇકોર્ટના ચુકાદા સામે મનાઇહુકમ મેળવ્યો. આ હુકમના અનુસંધાનમાં નવીન જિન્દલે ફેક્ટરી પરનો રાષ્ટ્રધ્વજ સંકેલી લેવો પડે તેમ હતો, પણ તેઓ મક્કમ રહ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ચાલુ રાખ્યું. આથી કેન્દ્ર સરકારે તેમની સામે કોર્ટના અનાદરનો નવો કેસ દાખલ કર્યો. આ તબક્કે ભલભલો આંદોલનકાર ઢીલો પડી જાય, પરંતુ જિન્દલ મક્કમ રહ્યા. 

લાંબી અગ્નિપરીક્ષાનો સુખદ અંત જાન્યુઆરી ૨૩, ૨૦૦૪ ના દિવસે આવ્યો, જ્યારે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ચોપ્પન વર્ષે સાચા અર્થમાં સ્વતંત્ર થયો.

આ ‘સ્વતંત્રતા’ના ભારતની પ્રજાએ મૂળિયાં ચાવી નાખ્યાં છે. દર ૨૬મી જાન્યુઆરીએ તથા ૧પમી ઓગસ્ટે ભારતનો ત્રિરંગો રસ્તાની ધૂળ ખાતો પડ્યો હોય છે. ફ્લેગ કોડની સરેઆમ ઐસીતૈસી થતી રહે છે, છતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. રાષ્ટ્રપ્રેમના નામે સબ ચલતા હૈ!

Written By :- Harshal Pushkarna.

No comments:

Post a Comment